World Water Day : શું તમે જાણો છો? નર્મદા પ્રોજેક્ટના કારણે ગુજરાતમાં કેવી રીતે આવ્યો બદલાવ!
આજે જ્યારે સમગ્ર વિશ્વ 'વિશ્વ જળ દિવસ'ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગુજરાત માટે સરદાર સરોવર નર્મદા ડેમ માત્ર એક પ્રોજેક્ટ નહીં પણ રાજ્યના ભાગ્યવિધાતા તરીકે ઉભરી આવ્યો છે. 'પાણી બચાવવું એટલે ભવિષ્ય બચાવવું' એ ઉક્તિને સાર્થક કરતા આ ડેમે ગુજરાતની તરસ છિપાવવાની સાથે વિકાસની જે નવી ક્ષિતિજો સર કરી છે, તે આધુનિક ભારતના ઈતિહાસનું એક સુવર્ણ પ્રકરણ છે. વર્ષોથી પાણીની અછતનો સામનો કરતા વિસ્તારો માટે આ ડેમ આશીર્વાદરૂપ સાબિત થયો છે, જેણે રાજ્યના કૃષિ, પીવાના પાણી, ઉર્જા અને પર્યટન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે.
આ પ્રોજેક્ટની સૌથી મોટી સફળતા પીવાના પાણીની સુરક્ષામાં જોવા મળે છે. ગુજરાતના ખૂણેખૂણા સુધી પાણી પહોંચાડવાના ભગીરથ કાર્ય હેઠળ આજે અંદાજે 10,453 ગામડાઓ અને 190 શહેરો નર્મદાના નીરથી તૃપ્ત થઈ રહ્યા છે. આ આંકડાઓ માત્ર સંખ્યા નથી, પરંતુ લાખો ગૃહિણીઓને માથેથી બેડા ઉતારવાની અને પાણી માટેના વલખાંનો અંત લાવવાની એક સફર છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાનના પણ 1,336 ગામ અને 3 શહેરોમાં નર્મદાના પાણી પહોંચાડીને આ યોજનાએ આંતરરાજ્ય સહયોગ અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૂકાભટ્ટ રણ વિસ્તારોમાં જ્યારે નર્મદાની નહેર વહે છે, ત્યારે તે માત્ર પાણી નહીં પણ જીવન વહેતું હોય તેવો અહેસાસ કરાવે છે.
ખેતી અને ઉદ્યોગોની સાથે આ ડેમ ઉર્જા ક્ષેત્રે પણ સ્વનિર્ભરતાનું પ્રતીક બન્યો છે. જળ વિદ્યુત મથકો દ્વારા ઉત્પન્ન થતી વીજળી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર રાજ્યની ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં મોટો ફાળો આપી રહી છે. આટલું જ નહીં, પર્યટનના નકશા પર પણ નર્મદા ડેમનો આ વિસ્તાર વૈશ્વિક સ્તરે ચમકી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ અહીં પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટી રહ્યો છે. નર્મદાની અવિરત ધાર, ડેમનો ગર્જના કરતો પ્રવાહ અને આસપાસની વિંધ્યાચળ-સાતપુડાની હરિયાળી ટેકરીઓએ આ સ્થળને વિશ્વના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાં સ્થાન અપાવ્યું છે. આમ, સરદાર સરોવર પ્રોજેક્ટ આજે ગુજરાતના આર્થિક અને સામાજિક ઉત્થાનની કરોડરજ્જુ બનીને અડીખમ ઊભો છે, જે આવનારી પેઢીઓ માટે જળ સુરક્ષાનું જીવંત પ્રતીક છે.