નવી 'રાઝી' ની તૈયારી....યામી ગૌતમ પર પસંદગીનો કળશ ઢોળાશે?
બોલિવૂડમાં હાલમાં જાસૂસી ડ્રામા ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધુરંધર 2' માં ભારતીય જાસૂસો પાકિસ્તાનમાં કઈ રીતે કામ કરે છે તેનું વાસ્તવિક ચિત્રણ જોઈ પ્રેક્ષકો પ્રભાવિત થયા છે. આ સફળતા બાદ હવે સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા આદિત્ય ધરની પત્ની અને અભિનેત્રી યામી ગૌતમને મુખ્ય ભૂમિકામાં લઈ 'રાઝી 2' બનાવવાની જોરદાર માંગ ઉઠી છે. એક નેટ યુઝરે સોશિયલ મીડિયા પર મૂળ પુસ્તક 'કોલિંગ સહમત'ના લેખિકા હરિન્દર સિક્કાને ટેગ કરીને સૂચન કર્યું હતું કે, હવે 'રાઝી 2' ની તૈયારી કરવી જોઈએ અને તેમાં યામી ગૌતમ મુખ્ય ભૂમિકા માટે સૌથી યોગ્ય અભિનેત્રી સાબિત થશે.
નોંધનીય છે કે યામી ગૌતમે 'ધુરંધર 2' માં પણ પ્રભાવશાળી કેમિયો કર્યો છે, જેના કારણે પ્રેક્ષકો તેને આ પ્રકારના રોલમાં જોવા ઈચ્છી રહ્યા છે. યુઝરની આ દરખાસ્ત પર લેખિકા હરિન્દર સિક્કાએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે યામી ગૌતમ એક અત્યંત પ્રતિભાશાળી અને ઉત્તમ અભિનેત્રી છે. સિક્કાના આ નિવેદન બાદ બોલિવૂડમાં એવી ચર્ચાઓ તેજ બની છે કે શું ભવિષ્યમાં 'કોલિંગ સહમત' પર આધારિત કોઈ નવો પ્રોજેક્ટ યામી ગૌતમ સાથે જોવા મળી શકે છે. આ ચર્ચા દરમિયાન હરિન્દર સિક્કાએ ફિલ્મ 'રાઝી' ના દિગ્દર્શક મેઘના ગુલઝાર સામે પોતાની જૂની નારાજગી ફરી વ્યક્ત કરી હતી.'રાઝી' માં આલિયા ભટ્ટે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા.
જોકે, લેખિકાના આ નવા ખુલાસાએ બોલિવૂડમાં વિવાદ છંછેડ્યો છે. લેખિકાના મતે જો વાર્તા સાથે છેડછાડ ન થઈ હોત તો સત્ય ઘટનાને વધુ સારી રીતે ન્યાય આપી શકાયો હોત. યામી ગૌતમ હાલમાં તેના ગંભીર અને વિષયલક્ષી પાત્રો માટે જાણીતી છે. 'ધ આર્ટિકલ 370' અને 'ધુરંધર 2' જેવી ફિલ્મો બાદ તેની ઈમેજ એક મજબૂત અભિનેત્રી તરીકે ઉભરી છે. ત્યારે જો 'રાઝી 2' અથવા તો તેના જેવો જ કોઈ જાસૂસી ડ્રામા બને, તો યામી ગૌતમ ચોક્કસપણે પ્રેક્ષકોની પ્રથમ પસંદગી બની રહેશે.