અન્નદાતાની વહારે યોગી સરકાર : UPમાં કુદરતી આફતમાં થયેલા નુકસાનનું વળતર 24 કલાકમાં મળવું જોઈએ, CM યોગીનો કડક આદેશ
ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ, કરા અને અનેક જગ્યાએ આગજનીની ઘટનાઓને કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના વહીવટી તંત્રને અત્યંત કડક અને સંવેદનશીલ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ખેડૂત એ દેશનો અન્નદાતા છે અને મુશ્કેલીના સમયે સરકાર તેની સાથે મક્કમતાથી ઉભી છે. આજે બુધવારે સવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં તેમણે અધિકારીઓને આદેશ આપ્યો હતો કે પાક નુકસાનીનું આકલન યુદ્ધના ધોરણે કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતો તેમજ બટાઈદારોને કોઈ પણ વિલંબ વગર વળતરની રકમ પહોંચાડવામાં આવે. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે નુકસાનના 24 કલાકની અંદર જ પીડિતોને સહાય મળી જવી જોઈએ.
બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે
તંત્રની જવાબદારી અને પારદર્શિતા અંગે સૂચના આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે મહેસૂલ અને કૃષિ વિભાગે સાથે મળીને જિલ્લા સ્તરે સંકલન સાધવું જોઈએ. સર્વેની કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય અને કોઈ પણ પાત્ર ખેડૂત સહાયથી વંચિત ન રહે તેની તકેદારી રાખવી અનિવાર્ય છે. યોગી આદિત્યનાથે વીમા કંપનીઓ સાથે પણ તાત્કાલિક સંપર્ક કરી પાક વીમાના દાવાઓનું ઝડપથી પતાવટ કરવા નિર્દેશ આપ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટોને સૂચના આપવામાં આવી છે કે તેઓ વ્યક્તિગત રીતે આ પ્રક્રિયા પર દેખરેખ રાખે અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી ફાળવવામાં આવેલી રકમનો સદુપયોગ કરી ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા કરાવે. આ કાર્યમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
સરકાર તેમની પડખે છે અને નુકસાનની ભરપાઈ થશે
માત્ર પાક નુકસાની જ નહીં, પરંતુ આગજની જેવી દુર્ઘટનાઓમાં થયેલી જાનહાનિ કે પશુહાનિના કિસ્સામાં પણ સરકારે અત્યંત માનવીય અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે જે પરિવારોના મકાનોને નુકસાન થયું છે તેમને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પ્રાથમિકતાના ધોરણે ઘર આપવામાં આવે. સાથે જ ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભો પણ વહેલી તકે પૂરા પાડવામાં આવે. મંડી સમિતિઓ દ્વારા પણ ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા અને જરૂર પડે ત્યાં રાહત શિબિરો શરૂ કરવા જણાવાયું છે. મુખ્યમંત્રીના આ સખત અને સંવેદનશીલ વલણથી ઉત્તર પ્રદેશના ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે કે સરકાર તેમની પડખે છે અને નુકસાનની ભરપાઈ સમયસર થશે.