બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઝરીન ખાનની માતાનું નિધન, પરિવાર પર દુઃખનો આભ તૂટી પડ્યુ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઝરીન ખાનના પરિવાર પર દુખની આફત આવી પડી છે. ઝરીન ખાનના માતા પરવીન ખાનનું 8 એપ્રિલના રોજ નિધન થયું છે. માતાના અવસાનના સમાચારથી ઝરીન ખાનના પરિવાર અને મિત્રવર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, પરવીન ખાનના અંતિમ સંસ્કાર બુધવારે કરવામાં આવ્યા હતા. આ અંતિમ વિધિમાં પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પરવીન ખાન છેલ્લા લાંબા સમયથી વધતી જતી ઉંમરને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા.
તેમની તબિયત વધુ લથડતા ઓક્ટોબર 2025માં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયે પણ ઝરીને સોશિયલ મીડિયા પર ફેન્સને તેમની માતા માટે દુઆ કરવાની ભાવુક અપીલ કરી હતી. હોસ્પિટલમાંથી સારવાર લઈને પરત આવ્યા બાદ તેમની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. જોકે, 2025ની શરૂઆતમાં ફરીથી તેમની સ્થિતિ ગંભીર બની હતી અને તેમને ફરી હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં આખરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઝરીન ખાન તેની માતાની અત્યંત નજીક હતી અને હંમેશા તેમને પોતાનો સૌથી મોટો સપોર્ટ ગણાવતી હતી. પિતાના ગયા બાદ તેની માતાએ જ ઘરની તમામ જવાબદારી સંભાળી હતી.
માતાના નિધનથી ઝરીન અત્યારે માનસિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડી છે. આ દુખદ સમાચાર મળતા જ સોશિયલ મીડિયા પર ચાહકો અને બોલિવૂડ જગતના કલાકારો ઝરીન ખાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. મુશ્કેલીના આ સમયમાં ઈશ્વર ઝરીન અને તેના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.