Zomato પર ઓનલાઈન ફૂડ મંગાવવું હવે વધુ મોંઘું બનશે, જાણો પ્લેટફોર્મ ફીમાં કેટલો વધારો થયો...
ઓનલાઈન ફૂડ ડિલિવરી ક્ષેત્રની દિગ્ગજ કંપની Zomatoએ ફરી એકવાર તેના ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધારવાનો નિર્ણય લીધો છે. કંપનીએ તેની પ્લેટફોર્મ ફીમાં પ્રતિ ઓર્ડર ₹2.40નો વધારો ઝીંક્યો છે, જેના કારણે હવે ગ્રાહકોએ દરેક ઓર્ડર પર ₹12.50ના બદલે ₹14.90 ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2025 પછી આ બીજો મોટો વધારો છે, જે દર્શાવે છે કે કંપની નફાકારકતા વધારવા માટે સતત ફીમાં ફેરફાર કરી રહી છે. સામાન્ય રીતે ઝોમેટો અને તેની મુખ્ય હરીફ કંપની સ્વિગી વચ્ચે ફીના મામલે હોડ જામતી હોય છે, અને હાલમાં સ્વિગી પણ પ્રતિ ઓર્ડર ₹14.99 વસૂલી રહી છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે Zomatoના આ પગલા બાદ આગામી દિવસોમાં સ્વિગી પણ પોતાની ફીમાં વધારો કરીને ગ્રાહકોને વધુ એક ઝટકો આપી શકે છે.
આ ફી વધારા પાછળના કારણો પર નજર કરીએ તો, ફૂડ ડિલિવરી માર્કેટમાં બદલાતા સમીકરણો અને વધતો ઓપરેશનલ ખર્ચ મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે ઇંધણ ખર્ચ વધી રહ્યો છે, જેની સીધી અસર ડિલિવરી પાર્ટનર્સ અને લોજિસ્ટિક્સ ઓપરેશન પર પડી રહી છે. આ વધારાના ખર્ચને સરભર કરવા માટે કંપનીએ ગ્રાહકો પાસેથી પ્લેટફોર્મ ફીના નામે વધુ રકમ વસૂલવાનું નક્કી કર્યું છે. જોકે, આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે બજારમાં રેપિડો જેવી નવી કંપનીઓએ 'ઓન્લી' નામની ડિલિવરી સેવા દ્વારા કોઈ વધારાની પ્લેટફોર્મ ફી વગર સેવા આપવાની જાહેરાત કરી સ્પર્ધા વધારી દીધી છે. રેપિડોના આ આક્રમક વલણ સામે ટકી રહેવા માટે Zomato આગામી સમયમાં કેવો પ્રતિસાદ આપશે તે જોવું રહ્યું, પરંતુ હાલમાં તો સામાન્ય ગ્રાહક માટે હોમ-ડિલિવરી ફૂડ બજેટ બહાર જતું દેખાઈ રહ્યું છે.
આ ફેરફારની સીધી અસર શેરબજારમાં Zomatoના 'એટરનલ' (Eternal) શેર પર પણ જોવા મળી હતી. પ્લેટફોર્મ ફીમાં વધારાના સમાચાર વચ્ચે શેરબજારમાં ઉતાર-ચઢાવનો માહોલ રહ્યો હતો. એક સમયે સ્ટોક 1.22 ટકા વધીને ₹231.70 પર પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ નફાબૂથલીને કારણે ₹228.90 પર બંધ રહ્યો હતો. ઝોમેટોનો શેર છેલ્લા એક વર્ષમાં ભારે અસ્થિરતાનો સાક્ષી રહ્યો છે, જ્યાં ઓક્ટોબર 2025માં તેણે ₹368.40ની સર્વોચ્ચ સપાટી બનાવી હતી, જ્યારે એપ્રિલ 2025માં તે ₹189.60ના નીચલા સ્તરે હતો. હાલમાં કંપનીની માર્કેટ કેપ ₹2,23,598.62 કરોડની આસપાસ છે. કંપનીના આ નવા આર્થિક નિર્ણયો ગ્રાહકોમાં નારાજગી લાવી શકે છે, પરંતુ રોકાણકારો માટે તે કંપનીની આવક વધારવાની વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે, ડિલિવરી ચાર્જ, GRT અને હવે આ વધેલી પ્લેટફોર્મ ફી ફૂડ ઓર્ડરના બિલને ઘણું મોટું બનાવી દે છે.